Wednesday, 28 December 2016

ગઝલ

એકધારી આવ-જા ગમતી નથી,
જિંદગીની આ અદા ગમતી નથી.
સ્હેજ તીખો, સ્હેજ તૂરો સ્વાદ દે,
માત્ર આ મીઠી મજા ગમતી નથી.
ભાવની ભીનાશ વરસાવો જરા,
સાવ સુક્કી સરભરા ગમતી નથી.
વિસ્મયોનું વન વઢાયું ત્યારથી -
એ પરીની વારતા ગમતી નથી.
પ્હાડ પીગળતા નથી થોડાઘણા,
પથ્થરો જેવી પ્રથા ગમતી નથી.
દાદ દેવા કોઈ પણ ડોલે નહીં !
શિસ્તમાં બેઠી સભા ગમતી નથી.. ..
- નીતિન વડગામા.....

No comments:

Post a Comment