Monday 30 January 2017

ગઝલ

હ્યદય,મન,લાગણી,સુખ ને અમારું જીવવા જેવું;
બધુ આપી દીધું છે આપને તો આપવા જેવું.

હવે નીરખી જ લેવા દો તમારો આજ આ ચ્હેરો;
ઘણાં વર્ષો પછી પુસ્તક મળ્યું છે વાંચવા જેવું.

નવી શરૂઆત કરવી'તી પ્રણયમાં એટલા માટે;
હ્યદય પર કોતરી લીધું હતું મેં શ્રી સવા જેવું.

હવે તારા નયનમાં કૈફ જોવા પણ નથી મળતો;
હવે કોઈ જ કારણ ક્યાં રહ્યું છે ચાહવા જેવું.

મટાડી દેતી ઘાવોને જરા બસ ફૂંકમાં 'પ્રત્યક્ષ';
હશે માતાની એ એક ફૂંકની અંદર દવા જેવું.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment