Wednesday, 1 February 2017

ગીત

ફાગણ પીધો રે
—રક્ષા શુક્લ 

મેં તો ફાગણ પીધો રે ચકચૂર.
શબ્દોના સરવરમાં ઊમટયાં લયના ઘોડાપુર,
મેં તો ફાગણ પીધો રે ચકચૂર.

ફુલ કોઈ ઊઘડીને ટાંચણ મૂકે કે અહીં આવી સુગંધ જરી પીવો,
અજવાળાં પ્હેરીને પડખામાં ઉભો'તો ઝળહળતો અક્ષરનો દીવો.
થાય કદી તારતાર આખી હયાતી તો દુખતી નસ પ્રોવીને સીવો,
મૂડી છે આંસુની? ઝળઝળિયા સિલકમાં? રોજીંદો ખરચો નજીવો.

કોરા કાગળના દરવાજે અર્થો ગાંડાતુર
મેં તો ફાગણ પીધો રે ચકચૂર.

ઓચિંતું પંખી એકાદ ઊડી આવે 'ને ટહુંકાના ચેકને વટાવે,
હિલ્લોળા લેતી કૈં ગીતોની ડાળીઓ ત્યાં જ મને ઝૂલવા પટાવે.
પહેલા એ ખોબો દઈ ઉભા આ શ્વાસોને પડતા-આખડતા બચાવે,
ધીરેથી ભીતરમાં તંબુ એ તાણીને ગમતીલી ધાંધલ મચાવે.

કંકુવરણી પગલી પર કૂંપળ ફૂટી ઘેઘુર,
મેં તો ફાગણ પીધો રે ચકચૂર.

1 comment: