ફાગણ ફોર્યો રે .....
આભે ઉડ્યા રે રંગીલા રંગ કે ફાગણ ફોર્યો રે ..
આવો રંગે રમીએ ઓ સજન કે ફાગણ ફોર્યો રે..
ડાળો ઝૂકી છે ઓલ્યા ફૂલડાંનાં ભારથી..
ભમતાં પતંગિયાં અદકેરાં પ્યારથી..
મહેકાયું હવાનું અંગે અંગ કે ફાગણ ફોર્યો રે ..
અબીલ ગુલાલથી શોભે ગગન છે ,
પિચકારીઓથી ભીંજાયે તન છે,
રંગાઈ હું તો કાન્હાને રંગ કે ફાગણ ફોર્યો રે ..
હૈયે હુલ્લાસ ને મનમાં ઉમંગ છે ,
મિત્રોની મહેફિલનો જામ્યો આ રંગ છે ,
વ્હાલો સંગીતનો લાગે રે સંગ કે ફાગણ ફોર્યો રે..
રંગોની પીંછી ફરી સંધ્યા રંગીન છે ,
ફૂલોની સોડમમાં સૌ બન્યા લીન છે ,
થયા કુદરતનાં કામણ જોઈ દંગ કે ફાગણ ફોર્યો રે ..
આભે ઉડ્યા રે રંગીલા રંગ કે ફાગણ ફોર્યો રે ..
આવો રંગે રમીએ ઓ સજન કે ફાગણ ફોર્યો રે..
-Shabnam
No comments:
Post a Comment