Wednesday, 1 February 2017

ગઝલ

વસંતનો વૈભવ

વનવગડે રંગોનો છટકાવ વસંતની સેના આવી
કેસુડે કેસરિયો પ્રભાવ વસંતની સેના આવી

માનવમનની ગહેરાઇઓમાં ઝિલમિલ ઝિલમિલ ટહુકે
લહેરાયો વાસંતી સ્વભાવ વસંતની સેના આવી

ઠૂંઠી ડાળે કુંપળ ફૂટી હરિયાળો રંગ ઝલકે
પત્તે પત્તેથી ભાગ્યો કુભાવ વસંતની સેના આવી

હરખની હેલી ઉમટી હૈયામાં કેસરિયો રંગ છલકે
ના નડયો કોઇ અભાવ વસંતની સેના આવી

ગણગણતા હોઠેથી છલકી મસ્તી આવી બેઠી પલકે
નયનોમાં છવાયો ત્રિભાવ વસંતની સેના આવી

અરસિક મનનેય રસ તરબોળે, રસિક મન તો મલકે
પ્રેમનો શિરસ્તો તો નિભાવ વસંતની સેના આવી

ભીતર ભીતર રસ છલકતી સલૂણી સાંજ ઢલકે
પરસ્પર જાગ્યો  *તું ભાવ* વસંતની સેના આવી
........ સરલા સુતરિયા ......

No comments:

Post a Comment