Tuesday, 11 April 2017

અછાંદસ

-: અજન્મી કવિતા :-

કોરા કાગળની
ખાલી કુખ પર હાથ ફેરવતા
હું કંપી ઊઠી
ને અસ્પષ્ટ શબ્દો
સરી પડ્યા મારા મુખેથી .....
ઓ મારા અજન્મા બાળક !
નિમિત્ત બનનારી તારી આ 'મા'
એક અસફળ સ્ત્રીનું
ઉદાહરણ છે .....
સફળતા મારા પડછાયાથી
જોજનો દૂર ભાગે છે ....
એટલે મન હોવા છતા પણ
હું તને જન્મ
નથી આપી શકતી ....
હું તને ભયભીત ને તિરસ્કૃત
ન જોઈ શકું,
એટલે વ્યાજબી છે કે તું મારી
નિર્જીવ આકાંક્ષાઓ વચ્ચે
જન્મ ધારણ ન કરે .....
હું જીવી લઈશ, તારા શ્રાપ ના
ઓઠા હેઠળ....
તું શ્રેષ્ઠ જ હશે
મારી કલ્પનાઓ ના આકાશમાં
તું શ્રેષ્ઠ જ છે
ને આ વાસ્તવિકતાની ધરતી પર
હું એક અદના ઈન્શાન...
તારી  "મા" ન બની શકેલ
હું બદનશીબ
તને એમ પણ નથી કહી શકતી
કે તું ખૂબ ખૂબ જીવે

હેમશીલા માહેશ્વરી "શીલ"

No comments:

Post a Comment