*બાબાસાહેબને... -પ્રકાશ પરમાર
એની વિશાળતાનો તને ક્યાં ક્યાસ છે ?
માપ ના, એ આખેઆખું આકાશ છે.
વિચારરૂપે આજે પણ રહે એ ઝળહળી ;
સદા અંધારાને ઉલેચતો પ્રકાશ છે.
ગાયકવાડી મદદના ગાણાં ઘણાં થયાં;
વડોદરાએ ક્યાં તને દીધું આવાસ છે.
ધર્મોની પસંદગી ના હોય જન્મથી ;
માનવતાની વાત જ ખરી ને ખાસ છે.
બુદ્ધની શુચિપૂર્ણ શુધ્ધતા છે સમ્યક ;
જડ ક્રિયાકાંડો તો નર્યો ઉપહાસ છે.
'ભીમરાવ' નામ અને કામથી છે મહાન;
પ્રસરાવી તેં સમાનતા નામની સુવાસ છે.
અભ્યાસ,પુસ્તકો અને સંસોધનો સંતૃપ્ત;
વિદ્વત્તાનો એ જ વ્યાપક પ્રવાસ છે.
જનતંત્રને અદકેરું સ્થાન આપ્યું માનભર;
એટલે જ અમને તારો વિશ્વાસ છે.
હાથી-અંબાડી ચડી તાજ પણ લીધાં;
તારું નામ વટાવે એ બદમાસ છે.
ઉજવીએ તમારી જન્મજયંતી અમે શી ?
સુર્ય સામે દીવો ધરવાનો પ્રયાસ છે.
No comments:
Post a Comment