પ્રેમ ગીત....
પ્રેમ એટલે કે એક અધખુલ્લી બારીએથી
વરસી જાતું તારી નજરુનું લથબથ ચોમાસું.
પ્રેમ એટલે કે એક અષાઢી સાંજે
કોઈ છોકરીની છાતીએ બેઠેલું ચાતક જાણે પ્યાસુ.
પ્રેમ એટલે કે કોઈ નમણી આંખેથી
વરસેલી દોમ દોમ પ્રીતની ગમતીલી ગમતીલી હેલી.
પ્રેમ એટલે કે સાવ સાનભાન ભૂલેલી
ઓલા યમુનાને કાંઠે જાણે વિરહીગોપી કાનઘેલી.
પ્રેમ એટલે કે ઓલી રઢીયાળી રાતડીનો સ્નેહે નીતરતો મનગમતો રૂપેરી ચાંદો.
પ્રેમ એટલે કે મનનાં મંદિરયામાં
શબ્દો વિના ઉતરી જાતા મોરપીંછનાં રંગીન સંવાદો.
પ્રેમ એટલે કે આંખની અટારીયેથી
હૃદય સોંસરવો થતો ઝેરી કાળોતરાનો મધમીઠો ડંખ
પ્રેમ એટલે કે નિતાંત ગગનમાં થનગનતા હૈયાને ઉડવા મળતી શમણાની સુંવાળી પંખ.
પ્રેમ એટલે કે કોઈ પ્રિયાની આંખડીએ
ચીતરેલા વાસંતી વ્હાલ ભર્યા ટહુકા.
પ્રેમ એટલે કે વણબોલ્યા હોઠના
છાતીએ વળગેલા શબ્દોના લાખ લાખ ડૂમા ને ડૂસકાં ..
શૈલેશ પંડ્યા.
No comments:
Post a Comment