રહ્યા છે અર્થ કોરા એટલે ભીનાશના પાને ;
કથા બોતલ ને પ્યાલાની લખી છે પ્યાસ ના પાને !
તમે શબ્દો માં અટવાયા સતત અભ્યાસના પાને ;
અને વાંચી શકું છું હું પવન પણ ઘાસના પાને !
સમય ! તું છેડમાં ! મારી પ્રકૃતિની અદાઓને ,
થીજી જાશે નહિતર , તું ફરી ઇતિહાસના પાને !
અડાડી ટેરવાં જીભે , ન ઉથલાવો કથા મારી ,
ફક્ત છે ઝેર ચોટેલું બધા અહેસાસના પાને !
કહો , એ નામનું પાનું હવે હું કઈ રીતે ફાડું ?
લખી બેઠો હતો , જે નામ મારા શ્વાસના પાને !
સહારો જિંદગીભર નો બની એ કામ આવી ગઈ ,
હતી સચવાયેલી બે ચાર ક્ષણ સહવાસના પાને !
ઘણાયે નામ ' કાયમ ' એટલે છોડી દીધા છે મેં ,
દગાની વાત લખવી કઈ રીતે વિશ્વાસના પાને ?
કાયમ હઝારી
No comments:
Post a Comment