પ્રભુ પંચાયતમાં સ્ત્રી
_____________________
ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ....
સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા,
એવડા આંસુ પણ ચખાય પ્રભુ.....
ચીર પૂર્યા’તા કદી તેં મારા,
પીડ મારી નહીં પૂરાય પ્રભુ?
*રાત*, રસ્તો, ઋતુ ને રાંધણિયું,
હર જગા મારાથી દઝાય પ્રભુ ....
મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ...
તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?
વેણ કર્કશ જણાશે મારા પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ?
-પ્રણવ પંડ્યા
No comments:
Post a Comment