આંખમાં છે કેટલા વાદળ તપાસી જોઈએ
ને પછી શમણાં ખરે તો દ્વાર વાસી જોઈએ
એમ છટકી ક્યા જશે જે હોઠ પર આવી ચડ્યા,
મૌન છે કે શબ્દ છે આજે ચકાસી જોઈએ
પ્રેત જેવી લાગતી પીડા વિનાની જિંદગી,
કોકની આંખે વસી પાછા ય નાસી જોઈએ
એ અમારી લાગણી પર ખરખરો કરતાં ભલે,
રાગ છે કે દ્વેષ, એ ભીતર તરાંશી જોઈએ
શ્વાસનું આવાગમન અટકી પડે ના એટલે,
એમની શુભકામનાઓ લાખ, ઠાંસી જોઈએ
જિંદગીની જાતરા તો એક અલગારીપણું,
ચાલ 'ઝરમર' જાતને મૂળથી ઉપાસી જોઈએ
....વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment