Saturday, 1 July 2017

ગઝલ

ઓ તબીબો ધાવ પ્રત્યે સાવ બેદરકાર છું,
દૂર ખસજો, હું જ મારા દર્દનો ઉપચાર છું.

કેમ આવું થાય છે એ નાં પુછો કાયમ તમે,
હું જ મારી જાત સાથે ચાલતી તકરાર છું.

ઓ જગત મનફાવે તેવા વાર કરજો પીઠ પર,
સાવમૂંગો બેસવાનો કેમ કે લાચાર છું.

ધર્મના નામે લડાઈ ના કરો પોકળ તમે,
બસ ધરો દિલમાં મને હું સાવ નિરાકાર છું.

રાજગાદી તો કદી ફાવી નથી મારી ઉપર,
કોઈ ના રોકે મને, હું તો અલગ સરકાર છું.

જીંદગીભર છો ને વાંચો બાઈબલ ગીતા કુરાન,
આખરે તો હું જ સઘળી કથાનો સાર છું.

મોત નામે આવવાનું હોય છે મારે પ્રશાંત,
જાતને પણ નાં ગમું એવો હું અવતાર છું.

.....પ્રશાંત સોમાણી

No comments:

Post a Comment