Monday, 31 July 2017

ગઝલ

સાવ જૂઠું જગત કોઈ તારું નથી,
મૂક સઘળી મમત કોઈ તારું નથી.

કોણ કોનું ? અને એય પણ ક્યાં લગી ?
છે બધું મનઘડત કોઈ તારું નથી.

જે પળે જાણશે સોંસરો સળગશે,
આ બધી છે રમત કોઈ તારું નથી.

કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી,
છેક સુધી સતત કોઈ તારું નથી.

કઈ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ, લાગી શરત કોઈ તારું નથી !

કોઈ એકાદ જણ, એય બેચાર પળ,
કે અહીં હરવખત કોઈ તારું નથી.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

No comments:

Post a Comment