Friday, 27 October 2017

ગીત

ચૂંટણી બોમ્બ ! ! !      કૃષ્ણ દવે ! ! !

નહી ઘરના રહો કે નહી ઘાટના

નહી ઘરના રહો કે નહી ઘાટના
મોઢા પર કહી દઉં છું આપશ્રી તો ગ્રાહક છો પબ્લીકની એક જ થપાટના
નહી ઘરના રહો કે નહી ઘાટના

ઝાંખું દેખાય છે તો ચશ્માં પ્હેરો ને જરા સામે છે ભૂતકાળ વાંચો
તોડી ફોડીને જાય પોતાનું ઘર એને દુનિયા પણ મારશે તમાચો
લોકોને જોવાની ટેવ છે તે જોવે છે હચમચતા પાયા આ ખાટના
નહી ઘરના રહો કે નહી ઘાટના

આવેલા નહી આ તો લાવેલા લાગે છે અધકચરી સમજણના ટોળા
જેને પોતાનો કોઈ મત નથી એવાના મત ઉપર ફેરવો છો ડોળા ?
જ્ઞાતિના વાડામાં પૂરી ગુજરાતને આ માંડ્યા છે ખેલ શેના ભાટના ?
નહી ઘરના રહો કે નહી ઘાટના

વાસણ તો ખખડે પણ આ રીતે દાઝ કરી મૂળને ઉખેડવું ઈ ખોટું
એકાબીજાની આમ લીંટી ભૂસીને કદિ કોઈ નથી થઈ જાતુ મોટું
ખીંટી પર ચાવી તો લટકે છે તોય કેમ તૂટે છે તાળા કબાટના ?
નહી ઘરના રહો કે નહી ઘાટના

કૃષ્ણ દવે .

No comments:

Post a Comment