Friday 12 January 2018

ગીત

ગીત

તું    કહે   તો   ગાલે ,  હું   તારું  નામ  ત્રોફાવું ,
        તું  ચહે  તો   આંગણિયે  તોરણિયા  બંધાવું .
સમજણના  સગપણીયા  તારા  ને   મારા,
        મોર  ચીતર્યા  પાનેતરમાં  એટલે   રૂપાળા.
તું  વહે તો  મારા  દિલમાં , સરવર  વધાવું 
        તું   ચહે  તો  આંગણિયે  તોરણિયા  બંધાવું .

યમુના  ઊછળે   આજ   સવારથી  થઈ  ઘેલી,
      કયાં  પીછું   મેલે    છે   વરસાદની  આ  હેલી  ?
તું   સહે  તો કમોસમિયા  પાણીમાં  સાથે  ભીંજાવું ,
        તું   ચહે   તો  આંગણિયે તોરણિયા   બંધાવું .

મોર  બોલતો ,કેકારવ કરતો ,મારા  મનને  હરતો,
         ગઢના કાંગરે  મેનાનો  મીઠો સાદ સળવળતો.
તું     ભરે   તો    પાણિયારે   પિત્તળની   હેલ  મૂકાવું.
         તું    ચહે     તો  આંગણિયે  તોરણિયા   બંધાવું 

ઊંચી   મેડીએ   ઢોલિયામાં  સ્પર્શ  આકુળ વ્યાકુળ,
         મને  ભીંજવે  તારી  યાદો, તને  ભીંજવે ઝાકળ
તું   ઝરે    તો      આંખોમાંથી     આંસુ   પૂર   વહાવું .
          તું    ચહે  તો  આંગણિયે    તોરણિયા  બંધાવું.

નિજ    દેરીમાં     માધવ  પધરાવ્યા  મેં  બંસીવાળા ,
        નથી  ભરવા દેવા હવે એને  વ્રજમાંથી  ઉચાળા .
તું   બજે  તો   મારે  સૂકા વાંસની  બંસી  થઈ વીંધાવું.
         તું     ચહે   તો  આંગણિયે    તોરણિયા  બંધાવું .
                                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment