Thursday 22 March 2018

અછાંદસ

*અછાંદસ/વિશ્વ વનદિને.......*
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

નવી નક્કોર ડાયરી લાકડાનાં મેજ પર ટેકવી,
લાકડાની  ખુરસી પર બેસી આજ વિશ્વ વનદિને થયું,
"હે વન ..."
આજ તારા અને તારા અસ્તિત્વ સમાં વૃક્ષો પર કૈક કવિતા લખું,
"તું પ્રકૃતિનું અવિભાજ્ય અંગ,
તું પંખીનું આશ્રયસ્થાન
પંખીઓ કરે કિલ્લોલ તુંજ સંગ
તું કવિઓની કલ્પનાનું કેન્દ્રબિંદુ
તારા થકી ઉજળો છે સંસાર
તું જ વિના કશો નહિ સાર"

ક્યાંક કવિતામાં લય તૂટતો હોય એમ લાગે છે...
ખેર,થાય ક્યારેક આવું..
ચાલ બીજા પાના પર ફરી પ્રયાસ કરું....
"પ્રકૃતિનું તું છે કેવળ અવિભાજ્ય  અંગ
કરતા કલરવ મીઠો પંખી તારા આશ્રય સંગ.."

હવે કઈક ઠીક લાગે ...
પણ હજી મજા નહિ આવતી..
નવા પાના પર  ચાલ ફરી
પ્રયાસ કરું.
ઠક....ઠક.... ઠક...
ઠક..ઠક...
અરે ..આ શેનો અવાજ ?
હું ડિસ્ટર્બ થાઉં છું...
બારી ખોલી જોયું તો  વૃક્ષ કપાઈ રહ્યું છે....
આટલા ભારે અવાજ વચ્ચે કવિતા તો લખાતી હશે..
હું બારી બન્ધ કરી
કાનમાં રૂં નાખી ફરી
નિશ્ચિન્ત બની વન અને વૃક્ષ વિશે કવિતા કરવા બેસી ગયો....
આખરે સરસ કવિતા બની,
આમ તો કોઈ પણ સામયિકમાં
પ્રકાશિત થાય એવી કવિતા બની
પરંતુ....
કવિતાને ચિરંજીવી બનાવવા
ડાયરીના અડધા પાના ભલે વપરાયા પણ ઉત્તમ કવિતા બન્યાનો આનંદ...
એનું શીર્ષક પણ  કેવું સરસ સૂઝ્યું..
'વિશ્વ વનદીને'
સોરી
*'વિશ્વ વનદિને.....'*

*પીયૂષ ચાવડા*

No comments:

Post a Comment