સખી, આવ પાસે કહું વાત હું દિલને ખોલી,
આજ બેઠું સોળમું ને તનમનથી ડોલી!
સૂરજના કિરણોને ઝાકળમાં બોળી,
ને પારિજાતકની કરું હું રંગોળી.....
ઓલ્યા, દખ્ખણના વાયરાને રોકી,
જુઈની સુગંધીથી દઉં હું તરબોળી!
ટહુકા ઉછીના લઈને બોલું, કોયલની બોલી,
આજ બેઠું સોળમું ને તનમનથી ડોલી!
ઉડે રંગબેરંગી મહીં પતંગિયાની ટોળી,
વિખરેલા એ રંગો ફૂલોથી લઉં આજ ઘોળી!
ઓલ્યા, ઝૂલતાં ઝૂલાને રોકી,
હેતાળ લાગણીથી દઉં હું રગદોળી!
મોગરાની ઓઢણી, પ્હેરું ચંપાની ચોલી,
આજ બેઠું સોળમું ને તનમનથી ડોલી!
ડો જિજ્ઞાસા
No comments:
Post a Comment