Monday, 29 October 2018

ગીત

આખું પડખું રોકીને બેઠું હૈયું,
ગરીબડી બાયના કાખમાં રમતું, નાગડું જાણે એક છૈયું......
.....૦ આખું પડખું રોકીને બેઠું હૈયું,

હાંફતું હંફાવતું, રોતું રોવરાવતું, પરવા શી એને બીજી હોયે ?
રીસાતું રીસાતું મળતું બધાને તો, પળમાં મનાવતું નહીં કો'એ..!
આમતો, ખજાનો લખલુંટનો લાટ બધો, બજારે ન ઉપજે એનું નૈયું..!!
....૦.આખું પડખું રોકીને બેઠું હૈયું,

રોકડ હિસાબમાં માનતું નથી ને, ઉધારીમાં ખોટ ઘણી ખાય.
રોજનો મેળ એના રોજમેળે કેમ ? એના ખોબામાં કેટલું'ક સમાય ?
ઓશિયાળું બનતું એ વરસને આખરે, ભૂલે એ પાક્કું સરવૈયું.
.....૦..આખું પડખું રોકીને બેઠું હૈયું.

ક્ષણમાં ઠેંસ લઈ ફુદરડી ફરતું રહે ને, ઘડીમાં ઠોકર ખાઈ જાય.
ઘડી બે ઘડીમાં દરિયો બની બેસે ને, પળમાં ડઘાઈ એ જાય.
પકડ્યું પકડાય નહીં, વાત એની થાય નહી, મરકટ બચ્ચું ખેલૈયું.
.....૦આખું પડખું રોકીને બેઠું હૈયું.

ગોપાલકુમાર જે.ધકાણ

No comments:

Post a Comment