Wednesday 23 January 2019

ગીત

તમે રાધાની આંખોનું ગાણું......
રે શ્યામ કદી આંગણે પધારો તો જાણું!

મોરપીંછ જોઈ અમે માની લીધું, કે  હરિ આવ્યા છે રાસલીલા રમવા
આંખોને દરવાજે ટાંગી છે એમ જેમ સાથિયાની ફરતે હો દીવા
જાણું છું નાથ! તારે કેટલાય કામ, તારું નક્કી ના મળવાનું ટાણું
તમે રાધાની આંખોનું ગાણું.....

સોળે શણગાર સજી બેઠા છે રસ્તા, ને ટોળે વળ્યા છે આજ વાદળ,
દૂર દૂર ભણકારા વાગ્યા છે એમ કોઈ લાવ્યું છે હૈયાનો કાગળ
રાધાને મન હવે કેવળ ઉપવાસ, ક્હાન આવો તો થાય એકટાણું
તમે રાધાની આંખોનું ગાણું.....

દિવસો વિતે છે હવે આંગળીના વેઢે, ને લાગે કે જન્મારો ખૂટશે
પથ્થરની જાત બની વાગીશુ ઠોકર તો રોમરોમ પીડાઓ ફૂટશે
એવે ટાણે જ તમે આવજો હે શ્યામ, જીવ છૂટે ને તોય તને માણું
તમે રાધાની આંખોનું ગાણું........
.........વર્ષા પ્રજાપતિ  ઝરમર

No comments:

Post a Comment