Sunday, 10 March 2019

ગઝલ

જ્યાં બેધડક ચાલ્યા તમે આરામના રસ્તા ઉપર,
તો લ્યો, હવે ચાલો જરા સંગ્રામના રસ્તા ઉપર.

એકાંતમાં મળ્યા અમે તો એ જ ઘટના ચર્ચવા,
લોકો બધા ટોળે વળે  છે  ગામના રસ્તા ઉપર.

હું  ચૂપ  રહું  છું  ને  તમારી  જોરથી બૂમો  પડે,
ચોકકસ તમે જીતી જશો લીલામના રસ્તા ઉપર.

મારી  નિશાની  એટલી  બચશે  તમારા  ગામમાં ,
કૈં  ફૂલ  જેવું   ખીલશે   અંજામના  રસ્તા ઉપર.

બે  હાથ  જોડી  કરગરું છું, ક્યાંક તો દેખાવ દે,
હું ક્યાં સુધી ચાલ્યા કરું પયગામના રસ્તા ઉપર?

બરબાદ છું તો શું થયું? આબાદ છે મારી ગઝલ,
છે 'પુષ્પ ' મારું નામ આ ગુમનામના  રસ્તા ઉપર .

                      --- પબુ ગઢવી 'પુષ્પ '

No comments:

Post a Comment