Sunday, 10 March 2019

ગીત

મને તારામાં ડૂબવાના કેટલાં અભરખા ! ને તું જ મને તરતા શીખવાડે ? 
તને કેમ હવે કોઇ સમજાવે ?
 
મારામાં ઘટાટોપ વાદળ ઘેરાય છતા તારામાં ટહૂકે નહિ મોર,
હું ચાંદની શી શીતળ કોઇ વાત લઇ આવું પણ તારો મિજાજ તો બપ્પોર,
હું આમતેમ છલકાતો છાલક થઇ જાઉં, તું છત્રીને સાથે લઇ આવે ? 
તને કેમ હવે કોઇ સમજાવે ?
 
આછકલું અડકે જ્યાં તારી નજર ત્યાં હું થઇ જાતો લીલોછમ આખો,
મારામાં સાત સાત ઊઘડે આકાશ ને તું સહેજે ના ફફડાવે પાંખો ?
હું ગળચટ્ટા ગીત જેમ રસરસતો હોઉ, તને ખાટું ખાટું જ બધું ભાવે ?
તને કેમ હવે કોઇ સમજાવે ?

-વિમલ અગ્રાવત

No comments:

Post a Comment