Monday 25 March 2019

ગઝલ

શિલ્પશી નમણી  તું  પંડે  પાતળી છે
હોઠ પર લીધી તો લાગ્યું, વાંસળી છે

આંખ, પાંપણ બ્હાર ક્યાંયે પગ ન મૂકે
કેટલી તારા વગર  એ  પાંગળી  છે !

એક નજરે આખું ઘર જોતું રહે છે
તું ગરીબ ઘરમાં બચેલી તાંસળી છે

જોઈને સહસા તને ઝુક્યું છે મસ્તક
તું તિલક કરવા ઊઠેલી આંગળી છે

પીઠ ફેરવતી પીડા ઊભી રહી ગઈ
માર્ગમાં તું જ્યાં મને સામે મળી છે

હાથ જોડી મેં બધી નદીઓ વળાવી
સ્નેહી ! મારી પ્યાસ તો ગંગાજળી છે

                     -- સ્નેહી પરમાર

No comments:

Post a Comment