Tuesday, 9 April 2019

ગીત

ભીતરના ભોંયરામાં ધરબી દીધેલી  કૈક અધમૂઇ ઇચ્છાઓ જાગી
રે જીવ તમે નીકળ્યા'તા બનવા વૈરાગી...

ઝગમગતી દુનિયાથી છેડો ફાડીને તમે ચાલ્યા'તા ભગવાને દેશ,
સુંવાળા રેશમિયા વસ્તરને ત્યાગીને ધરવો'તો રૂખડિયો વેશ ..

ફરી પાછું ખેંચે રે, કોઈ પાછું ખેંચે ને કહે પાછા બનોને અનુરાગી..
રે જીવ તમે નીકળ્યા'તા બનવા વૈરાગી

ઝાલરિયું સાંભળવા કાન કીધા સરવા ત્યાં વાંસળીના સૂર પડ્યા કાને
આઠે દિશાએથી પકડી લાવો તોયે મનડું કાં ચોંટે નહીં  ધ્યાને?

સઘળાય ઘાવ સાવ રૂઝાઈ ગ્યા'તા ત્યાં કાળજે કટારી કઈ વાગી ?
રે જીવ તમે નીકળ્યા'તા બનવા વૈરાગી...

- શબનમ

No comments:

Post a Comment