Tuesday, 9 April 2019

ગીત

શરમના ફૂટેલા શેરડાંને  ટાટા કહી, લજ્જાને કહી કીધું બાય બાય;
ઘૂંઘટ ઉઘાડવાના નાટક રહેવા દે, રહેવા દે વાતો આ ડાઈ ડાઈ.

પેલ્લો મેસેજ તને કીધાની પેલ્લા મેં
               કીધો તો પેલ્લીવારો કોલ;
  કાન કાંઈ પીવે તો પીવે શું કોલમાં                             
                 કોલ પે'લા પીટેલો ઢોલ.
કંપતી હથેળીએ અડવાનું શું ? ઘણું બેઠાં'તા ચીપકી દબાઈ...

  ઓસરી કે ઉંબર કે આંગણ કે પાદર સૌ,
                    કોઈ મને જાતી શું રોકે?
  જનમ ધરીને જરી ધાવીને વેગળી
                      કદી રહી ના આ ચોકે.
હોસ્ટેલની બારીએથી પાંગરેલા જોબનને વસમી ના લાગતી વિદાઈ...
સાસુને કે'જે કે કાલ હવે ઉઠીને,
            ચશ્મા ના મૂકે પથારીએ;
આંખોમાં ખણખોદુ ટાંકીને જોવે ના
                સૂકાતા કપડાંની દોરીએ.
આંબાને કુંવારો ધારીને બેઠાં પણ, શાખો પર કેરીઓ ડોકાઈ...

તારે નહિ પૂછવાનું મારે નહિ પૂછવાનું,
               માંગવો ના કોઈ દિ' જવાબ;
ચાર ચાર ફેરા આ ફર્યાની પહેલાં તો,                               
              માંડ્યા'તા ચારસો  હિસાબ.
ચાલ હવે સેલ્ફી લઈ પ્રાઈવેટ એ ફોલ્ડરમાં ફરીવાર જઈએ છુપાઈ...
                              ******
ડો. ભરતકુમાર એમ. ગોહેલ

No comments:

Post a Comment