Tuesday, 9 April 2019

અછાંદસ

ખલેલ કરે ~ સંજુ વાળા

ખલેલ કરે...
ઝાડવાં જ્યાં છાયડાઓ પાથરવા વિચારે
એજ ઘડી વાયરાઓ નવી નવી ગેલ કરે
ખલેલ કરે...

ડાળી પર આવીને દૂધરાજ બેઠો ત્યાં
રાયણમાં  ફળવાની  ઇચ્છા ઝબૂકી
એને જોઇ પડખેના ખાખરાએ પૂછ્યું કે
કઇ રીતે લીલી થઈ કામનાઓ સૂકી
એજ ઘડી ચારેકોર ચર્ચા  ફેલાઈ ગઈ : જુઓ આ નિયમની બ્હાર જઇ પહેલ કરે
ખલેલ કરે..

એવામાં કુદરતનું કરવું ને અચાનક
મળી ગઈ આભ અને ડાળીની  આંખો
આભ માંડ્યું ડાળ બાજુ વિસ્તરવા એજ રીતે ડાળને પણ ફૂટવાને લાગી રે પાંખો
કારણમાં સાવ પોતપોતાની ઊભરા તે  એમાં એ કંઈ રીતે તમને સામેલ કરે ?
ખલેલ કરે...

ઘાસની સળીને વળી લાગ્યું કે જંગલમાં આપણો પણ હોવો ઘટે જરા તરા ઠાઠ
લ્હેરાવા ઝૂમવાના કેવા હોય ઓચ્છવ એ
ખખડધજ  ઝાડવાને  શીખવીએ  પાઠ
માથાફરેલ કોઈ વાયરો પલાણીએ તે
પ્હાડો ને નદીઓ પણ ઉડવાની ટ્હેલ કરે
ખલેલ કરે

No comments:

Post a Comment