હું મન ભરી કદી રડી શક્યો નથી.
હું તો હજી મને મળી શક્યો નથી.
કે ગમ મળ્યા હતા જ કેટલા બધા,
છતાં હસ્યા વગર રહી શક્યો નથી.
બધી મૂડી દવા મહીં પતી ગઈ,
ને એટલે હું ઘર કરી શક્યો નથી.
જો વેદના, વ્યથા અને ઘણું ય છે,
તું દર્દ દિલનું તો કળી શક્યો નથી.
કે આંખ વાંચશે સનમ એ આશમાં,
મિલન થવા છતાં કહી શક્યો નથી.
ગળામાં એક ડૂસકું છે ક્યારનું,
ને એજ કારણે હસી શક્યો નથી.
જો છોડવા મથે છે જીવ ખોળિયું,
દિદાર કાજ હું મરી શક્યો નથી.
ઉદાસ છું, ઉદાસ છું, ઉદાસ છું,
હ્રદયમાં એમના વસી શક્યો નથી.
સ્વમાનભેર જિંદગી ગઈ 'કમલ',
ખુદા ડરાવશે, ડરી શક્યો નથી.
કાયમ ઘેરી રાખે જોને ઈચ્છાઓનાં ટોળાં.
સઘળાં માણસ પાસે જોને ઈચ્છાઓનાં ટોળાં.
મારું તો પણ વધતી રે' છે બમણા વેગે આતો,
દુનિયા જોઈ દાઝે જોને ઈચ્છાઓનાં ટોળાં.
પૂરાં કોઈ દી' થાતા ના આ અંતરના અભરખા,
બાંધી રાખે કાખે જોને ઈચ્છાઓનાં ટોળાં.
આશા એકજ મારી મરતા પ્હેલા જોવી એને,
જીવાડે છે આજે જોને ઈચ્છાઓનાં ટોળાં.
ધાર્યું તારૂં ક્યાં થાતું, પ્રભુ ઈચ્છા ન્યારી 'કમલા',
નાહક મનમાં પાળે જોને ઈચ્છાઓનાં ટોળાં.
કમલ પાલનપુરી
દશા જોઈ ધ્રુજી છે જાહોજલાલી.
ઘણાને જો ખૂંચી છે જાહોજલાલી.
જરાયે ગમી ના જવાની મને તું,
તેં શૈશવની લૂંટી છે જાહોજલાલી.
કે પરસેવો વેચી કમાણી કરીને,
પિતાએ ખરીદી છે જાહોજલાલી.
ઘણાયે સમય બાદ સાકી સહારે,
અમે આજ પીધી છે જાહોજલાલી.
મને હું મળું ને તો રાજી છું કમલા,
પછી રોજ જુદી છે જાહોજલાલી.
કમલ પાલનપુરી
માણસ કંટાળ્યો લાગે છે.
જીવનથી હાર્યો લાગે છે.
ફાંફા મારી દોડ્યા કરતો,
ઈચ્છાએ ચિડાયો લાગે છે.
સંસારી માયાનો દર્દી,
પીડાએ બાળ્યો લાગે છે.
મા બાપ ને પત્નીની વચ્ચે,
જબરો ભીડાયો લાગે છે.
આંખો લાલ, ગળું બેઠેલું,
એ રાત્રે રોયો લાગે છે.
કમલ પાલનપુરી
આત્મખોજે નીકળ્યો છું.
હું મને ક્યારે મળ્યો છું.
જીવતો છું, સાબિતી એ,
સ્પર્શ થાતાં સળવળ્યો છું.
સૂર્યને શરમાવવાને,
થઈ દિપક હું ઝળહળ્યો છું.
યાદ ના બાજી ગયેલા,
આંસુ સાથે ઓગળ્યો છું.
આંસુ અંગારા બન્યા છે,
એટલો અંદર બળ્યો છું.
કમલ પાલનપુરી
No comments:
Post a Comment