ગઝલ -ગણે છે કેટલા ?
જિંદગીના દાખલા સાચા ગણે છે કેટલા?
આ નિશાળોમાં ગયા તો પણ ભણે છે કેટલા?
દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ;
આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા?
દોષ દેવો અન્યને આદત તને છે માનવી;
જાતને સામે ધરીને દુઃખ હણે છે કેટલા?
ઈશે સૌને મોકલ્યા છે પોત પોતાને રાગે;
તાલબદ્ધ ને સુર લયમાં ગણ ગણે છે કેટલા?
“શોકમાં છીએ” કહી આંસુ મગરના સારે છે;
સાચા દિલથી અંજલિ આપી રડે છે કેટલા?
દિલીપ વી ઘાસવાળા
ગઝલ - લીલી ડાળે..
સાવ લીલી કોઈ ડાળે બેસીએ ,
એક ચકલી જેમ માળે બેસીએ .
ના કદી પૂરા થયેલા હોય તે ,
ખંડિત સપનાઓ ની પાળે બેસીએ .
આભને ધરતી મળે છે કે નહીં ?
દ્રશ્ય એ જોવાને ઢાળે બેસીએ .
કાળ પણ રોકાયો જોવાને તને ,
થંભી જાતા સમય કાળે બેસીએ .
પંચ તત્ત્વો આત્મસાત કરવા "દિલીપ" ,
ભાંગતી રાત્રે કુંડાળે બેસીએ ,
દિલીપ વી ઘાસવાળા
No comments:
Post a Comment