Tuesday, 31 December 2019

ગઝલ

લગાગાગા લગાગાગા લગાગાગા

ઉદાસી બાથમાં લઈને ફરેલો છું,
જીવનને એમ બહુ ભારે પડેલો છું.

સમજદારી ઘણી મોંઘી પડી તેથી,
હવે નાદાનિયતને જ‌ઈ વરેલો છું.

જીવનમાંથી ભલેને બાદ થઈ ગયો પણ
સ્મરણમાં વદ્દીની માફક વધેલો છું.

બહેકી જાય બોટલ તો સમજજો કે,
મદિરામાં હું પોતે ઓગળેલો છું.

સતત જોયા કરે છે આપને એથી,
અરીસાની હવે સામે થયેલો છું.

ઉઘાડેછોગ આવ્યા એ મને મળવા,
ને હું ખુદમા જ ખોવાઈ ગયેલો છું.

-- દિલીપ ચાવડા 'દિલુ' સુરત

Wednesday, 18 December 2019

ગઝલ

લગાગા લગાગા લગાગા લગા

છલોછલ પ્રણયથી ભરેલો છું હું,
હૃદયમાં એ કારણ વસેલો છું હું.

મહેચ્છા કરો છો સદા જેની એજ,
સિતારો ધરા પર ખરેલો છું હું.

અપેક્ષા બિછાવો ઝરૂખે હવે,
મિલનની દિશામાં વળેલો છું હું.

મળી પ્રેમની હૂંફ જ્યારે મને,
બરફ સમ તરત ઓગળેલો છું હું.

સુગંધિત થયો છું સુમનથી વધું,
અછડતો તને જઈ અડેલો છું હું.

ફસાવ્યો હતો જિંદગીએ છતાં,
ગઝલને લખીને બચેલો છું હું.

કલાને હૃદયમાં જરા વાવી તો,
બનીને ગઝલ પાંગરેલો છું હું.

-- દિલીપ ચાવડા (દિલુ) સુરત

Monday, 9 December 2019

ગઝલ

ગઝલ :::: તળ હતું..

ડૂબવા દિલ, આંખમાં વિહ્વળ હતું,
પાંપણે તો  છીછરું એ તળ હતું.

સાર ગીતાનો ભલે સારો હતો,
એક બીજું યુદ્ધ તો પાછળ હતું.

પામવાની હોડમાં થાકી ગયા,
હર ક્ષણે બસ  કોઈ તો આગળ હતું.

કુંડળીમાં  તું લખાયેલી હતી,
પણ નસીબની આડે એક વાદળ હતું.

કેટલા યત્નો કર્યા મેં પામવા !!?
આંખમાં કોને ખબર શું છળ હતું .

જળ પટલ પર બિંબ તો તારું હતું,
એ થકી  સન્માન  એ  કેવળ હતું.

દિલીપ વી ઘાસવાળા