ગઝલ..
હવે ગમતા બધા વાતાવરણની વાત છોડી દે;
ધરા ફરતી જ રહેશે તું ભ્રમણની વાત છોડી દે.
ગગન પોતાની બારીથી જ જોવાની મજા આવે;
મને પાંખો ફૂટે, એવાં રટણની વાત છોડી દે.
તું પાવરધો શિકારી છે, છતાં કિસ્મત બધાંની છે;
હરણ ક્યાંથી બચે, એવાં વલણની વાત છોડી દે.
અહીં જે પૂણ્ય છે એ પૂણ્ય, ને જે પાપ છે એ પાપ,
હવે કઈ બાદ કરવા જાગરણની વાત છોડી દે
તને સાંભળતા સાંભળતા મને ડૂમો ભરાયો છે;
મજાની છે, છતાં તું બાળપણની વાત છોડી દે
આ તારા દીકરામાં વાંચ, એ ભૂતકાળ છે તારો;
બીજું તો થાય પણ શું, તું શ્રવણની વાત છોડી દે.
તને હું યાદશક્તિ તેજ હોવાનું ઈનામ આપું;
ઘણાં ભૂલી જવા જેવાં સ્મરણની વાત છોડી દે
ગૌરાંગ ઠાકર
No comments:
Post a Comment