શ્વાસને સદરાની માફક વેતરીશું આપણે
મોત કેવું હોય છે જોવા મરીશું આપણે.
કોઇ ઠંડી આગનો માંગે પરિચય તો તરત
આપણો તાજો જ આ ફોટો ધરીશું આપણે.
ખીણમાં જન્મ્યા છીએ તો ખીણને અજવાળશું
આમ પણ શું ટોચને બચકા ભરીશું આપણે.
સૂર્યને એનાં જ કિરણોની સજા ફટકારવા
આંગણા વચ્ચે અરીસો પાથરીશું આપણે.
શું થયું જો ચાલવામાં સહેજ આગળ થઇ ગયા
એમની સાથે થવા પાછા ફરીશું આપણે.
જિંદગી જો જેલ છે તો જેલમાં જીવી જશું
આમ પણ બીજે કશે તો કયાં ઠરીશું આપણે?
વ્યાજ માફક એય બસ વધતી જ વધતી જાય છે
આપણી નારાજગીનું શું કરીશું આપણે?
-- ચંદ્રેશ મકવાણા 'નારાજ'
No comments:
Post a Comment