એક ગઝલ
કદાચ કાલે તમારે માથે, પડે જગતને ઉઠાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
ધરાથી લઇ ને ગગન સુધીનું, તમારે અંધારું ખાળવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
કળી કળી ને ફૂલો બનાવી, સુગંધ એમાં પછી ઉમેરી, અને તમારે ઉપરથી અહીંયા,
બધાં જ પંખીની ચાંચ માટે, કશુંક ચણવા ઉગાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
સૂરજ સમયસર ઉગાડવાનો, અને સમયસર ડૂબાડવાનો, નહીં કરો તો નહીં જ ચાલે,
અને બીજું કે તમારે સાંજે, ગગનને રંગોથી રંગવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
દરેક બાળકનાં સ્મિતમાં જઇ, દરેક માતાની આંખમાં રહી, તમારે હાજર થવું જ પડશે,
પછી તમારે બધાંની અંદર, વહાલ થઇ ને રહી જવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
પ્રથમ તમારે હવા ને અહીંયા, બનાવવાની છે શ્વાસ સૌ નો, પછીથી શ્રધ્ધા જીવાડવાની,
તમે જ બોલો થશે બધું આ, નહીં તો છોડો પ્રભુ થવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
ગૌરાંગ ઠાકર
No comments:
Post a Comment