અટૂલા સ્થળે યાદ આવી ને જોયું
જૂનું ઘર ફરીથી સજાવીને જોયું
હસાવીને જોયું રડાવીને જોયું
તેં ક્યારેક મને કરગરાવીને જોયું
કદી જોયું પાડીને પડદો પરંતુ
કદી પડદે પડદો હટાવીને જોયું
નદીને કિનારે હું ભેખડ સમો છું
મને પૂરમાં ખળભળાવીને જોયું
ભીતરમાં હતો કોઈ ભેદી ખજાનો
પ્રતીતિ થતાં ખટખટાવીને જોયું
યુગોથી અહીં ઠેરનો ઠેર છું હું
મને ક્યાં હજી મેં વટાવીને જોયું
સમાઈ શકે ના કદી શબ્દમાં તું
તને શેરમાં મેં સમાવી,ને જોયું
તળેટીથી ટોચે તુંહી તું તુંહી તું
શિખર પર ધજા ફરફરાવીને જોયું
કહ્યું તો કહ્યું કાનમાં ગણગણીને
બીજું કૈં ગઝલમાં લખાવીને જોયું
.. ભરત ભટ્ટ
No comments:
Post a Comment