Friday, 16 June 2017

ગઝલ

આ પથ્થર માથે લ્યો પથ્થર મુકો,
ને આ ઈચ્છાઓનું પાદર મુકો.

કે  દરિયો ગાંડોતૂર છે લોહીમા,
નસ નસમાં રેતી જેવું ઘર મુકો.

તુલસીની કીંમત કરવી છો મિત્રો?
તો પલડે કાળીયો ઠાકર  મુકો.

સાબિત કરવુ છે ઈશ્વર અલ્લા એક?
મંદિરમાં કાબાનો પથ્થર મુકો.

કોઈ તરસ્યો જણ ભુલો પડશે તો?
પનઘટ પર તાંબાની ગાગર મુકો.

હૂંડી તો શામળિયે પૂરવી પડશે જ,
સામે નરસીં જેવો નાગર મુકો.....

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment