Thursday, 11 October 2018

ગઝલ

આ વિશ્વના લયનું લલગાગા લલગાગા
સ્પંદન છે હૃદયનું લલગાગા લલગાગા

નક્ષત્ર, ગ્રહો, સૂર્ય, શશી – શબ્દ ગગનનાં
ને અસ્ત-ઉદયનું લલગાગા લલગાગા

ટકટકતો નથી એ હવે ઘડિયાળના કાંટે
ખળખળવું સમયનું લલગાગા લલગાગા

તૂટતો રહે, જોડાતો રહે દૃષ્ટિનો સેતુ
ભય મિશ્ર પ્રણયનું લલગાગા લલગાગા

આંખોમાં નિમંત્રણ અને શબ્દોમાં નિયંત્રણ
ઈચ્છાનું-વિનયનું લલગાગા લલગાગા

યાદોના ભરાવાનો આ કાગળ પર ઉતારો
સંચય અને વ્યયનું લલગાગા લલગાગા

શબ્દોથી બને પંક્તિ, તૂટે પંક્તિથી શબ્દો
સર્જન ને વિલયનું લલગાગા લલગાગા

મુજ મૌનનું ઐશ્વર્ય બન્યું શબ્દનો વૈભવ
સંધાન ઉભયનું લલગાગા લલગાગા

“હેમંત” રદિફ, કાફિયા રમતા રહે મનમાં
બાકીના વિષયનું લલગાગા લલગાગા

– હેમંત

No comments:

Post a Comment