🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ફળિયામાં ફોરીએ
ડેલીના દરવાજા ખોલીએ ને કલરવતાં ફળિયામાં ફૂલડાંની જેમ પાછાં ફોરીએ.
હાલ હવે આપણે સૌ સીમ ભણી હરિયાલાં ખેતરમાં સાગમટે મ્હોરીએ.
રોગભોગ મુકીને દાદાની દાઢીને દાદીના પાલવને પકડીને ફરફરતી મોજુને મનભરી માણીએ.
સીટીમાં તેતરની જેમ બજારે લપાતું નીકળવું, ગીરદીમાં ચારેકોર ચગદાવું વામીએ.
ગાડીમાં ગૂંગળાયા બૌ અને કાર્બનમાં કોહવાયા સૌ હવે આંબાની જેમ લીલું કોળીએ.
કલરવતાં ફળિયામાં ફોરીએ....
પાદર પણ ઉઘડતું જાય ઓલી હરફરતી વડલાની ડાળે, અને બોર સીધા બોરડીનાં ચાખીએ.
ગોવાતી વાંભ ભરી પડકારતો જાય ઘણજોકે ને ગૌરીની ઘંટડીનો રવ ખિસ્સે રાખીએ.
પડખેના પાળિયાની દોમદોમ સાહબી, સસલાની જેમ હવે છૂપાયા પગલાંને જોમ થોડું આપીએ.
કલરવતાં ફળિયામાં ફોરીએ...
એ.સી.માં ઠીંગાઈ ગ્યું જીવતરિયું આખું ને ફ્રિજમાં મૂ્ઝાયા બહુ હવે સીટીમાં કેમ કરી રહું ?
સરસરતો પવન ને હિલોળે મોલ એની ખૂશ્બૂમાં ઓળઘોળ જંતરિયું ઝરમરતી હેલીમાં બહું.
સાવ મૂંગા ફૂલડાંઓ કાલનાં ટેન્શનમાં લથબથ બંધાયાં આજના લ્હાવામાં દોરીએ.
કલરવતાં ફળિયામાં ફોરીએ....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment