સદનમાં જેવી રીતે સાથિયા આવ્યા,
ગઝલમાં એવી રીતે કાફિયા આવ્યા.
કરીને માંડ હંકાર્યું જીવનનું વ્હાણ,
જરા આગળ વધ્યા ત્યાં ચાંચિયા આવ્યા.
તમારા ભાગ્યમાં ફકરા ઉપર ફકરા,
અમારે ભાગ કેવળ હાંસિયા આવ્યા.
હિમોગ્લોબીન વધી સત્તર ટકે પહોંચ્યું,
અમારા ગામના જ્યાં પાટિયાં આવ્યાં.
ફરે છે સૂર્યના અહીં બાતમીદારો,
ને તમને એમ લાગે આગિયા આવ્યા.
કદી ઈશ્વર કશું માપીને આપે નહિ,
આ તો માણસને લીધે માપિયાં આવ્યાં.
પ્રભુ ! બ્રહ્માંડનો તું એકલો માલિક,
અહીં કટકો જગામાં ભાગિયા આવ્યા.
ન છૂટકે મેંય પણ વહીવટ કરી લીધો,
આ સપનાઓય કેવાં લાંચિયાં આવ્યાં !
'નિનાદ' એણે ગઝલ લખવાનું કીધું પણ,
વિચારો એજ દિવસે વાંઝિયા આવ્યા.
✍🏻 *- નિનાદ અધ્યારુ*
No comments:
Post a Comment