Wednesday, 23 January 2019

ગીત

તમે રાધાની આંખોનું ગાણું......
રે શ્યામ કદી આંગણે પધારો તો જાણું!

મોરપીંછ જોઈ અમે માની લીધું, કે  હરિ આવ્યા છે રાસલીલા રમવા
આંખોને દરવાજે ટાંગી છે એમ જેમ સાથિયાની ફરતે હો દીવા
જાણું છું નાથ! તારે કેટલાય કામ, તારું નક્કી ના મળવાનું ટાણું
તમે રાધાની આંખોનું ગાણું.....

સોળે શણગાર સજી બેઠા છે રસ્તા, ને ટોળે વળ્યા છે આજ વાદળ,
દૂર દૂર ભણકારા વાગ્યા છે એમ કોઈ લાવ્યું છે હૈયાનો કાગળ
રાધાને મન હવે કેવળ ઉપવાસ, ક્હાન આવો તો થાય એકટાણું
તમે રાધાની આંખોનું ગાણું.....

દિવસો વિતે છે હવે આંગળીના વેઢે, ને લાગે કે જન્મારો ખૂટશે
પથ્થરની જાત બની વાગીશુ ઠોકર તો રોમરોમ પીડાઓ ફૂટશે
એવે ટાણે જ તમે આવજો હે શ્યામ, જીવ છૂટે ને તોય તને માણું
તમે રાધાની આંખોનું ગાણું........
.........વર્ષા પ્રજાપતિ  ઝરમર

ગીત

તને સમરથ કરવા માગું

તને સમરથ કરવા માગું
હૈયાના તાર લંબાવી તાગું

નિર્મળ ઉદાસ તારી ભાવનાને હું જાણું,
શબ્દોની જોડણીઓ કરીને હું પ્રમાણું.
કલા નિપૂણતા વૈવિધ્ય ભાવને હું તાકું,
કોરી પાટીમાં હું એમ કરીને આંકુ ?
તને હું સમરથ કરવા માગું....

કુદરતના ખોળે રમતા બાળને ઝુલાવું,
પરમાર્થી ગોદમાં હું એમ કરીને લાવું.
અબોલ તારી નિર્મોહી મમતાને ખોળું,
વેદનાની વાચા સમજી જાત ઢંઢોળું ?
તને હું સમરથ કરવા માગું...

આભૂષણોથી અંજાયેલી આંખને માપું,
એમ તારી રોશનીને પરગટ કરી આપું.
તારી કલા, નિપૂણતા- સર્વે ચુંબન ઝીલે,
આપતા માઁનું હૈયું સોળ કળાએ ખીલે.
તને હું સમરથ કરવા માગું...

         જાદવ ઉષા (મોરબી )

Monday, 21 January 2019

ગઝલ

વાદળ
હતાં કાયમ તરસ્યાં,
વિચારોનાં વાદળ વરસ્યાં.

ઝરમર શરુ થતા જ,
વેદનાના ડુમાઓ ખસ્યા.

પુષ્પો બગીચામાં મુકે,
હૈયામાં એટલે વસ્યાં.

મોજાં ઉછળ્યા દરિયામાં,
પાંપણ માંથી ધીરે ખસ્યા.

જીંદગીની સફરમાં રહીને,
ખીલ્યાં, વહ્યાં પછી ખસ્યા.

આ અચેતન ચેતનાની,
હથોડી સમ ઉપર ધસ્યા.

                  ઝલક ગામી

ગઝલ

બદલતી દ્રષ્ટિ

કુસ્તીમાં જ લોકોને રહેવું છે.
અંતરપટનું ક્યાં કંઈ કહેવું છે.

નથી ગમતું એટલે કહેવાનું છે,
કાદવમાં કમળ જેમ રહેવું છે.

ભૂલોની પરંપરા જ ખોજવાની,
દ્રષ્ટિના રંગ બદલે સહેવું છે.

ડહોળ ક્યાં બેસે   છે ઝરણાંનો,
પારદર્શક વિસ્મયથી વહેવું છે.

છે કટારી હાથમાં નજીક એ,
ને આપણા બનવા એક થવું છે.

કુદરત વરસે છે આભ ઉપરથી,
નદી બની સામે પાર જવું છે.

                           નિશા હડીયલ

Thursday, 17 January 2019

ગઝલ

ગઝલ - ઝૂકતું હોય છે..

અશ્રુ દડતું હોય  છે ,
આભ ઝૂકતું હોય છે.

આંખ સામે હોય ક્યાં ?
મન ઉઘડતું   હોય છે .

આટલા મૃગજળ રચી ,
કોણ છળતું હોય છે ?

જાય છે પાછા  ચરણ ,
દિલ કણસતું હોય  છે .

હારનારાનું     કદી ,
શીશ નમતું હોય છે.

દિલીપ વી ઘાસવાળા